આપણાં દેશમાં એક પણ એવું સ્થળ નહીં હોય જ્યાં ભગવાનનું મંદિર ન હોય. નાનામાં નાનું ગામડું હોય તો ત્યાં પણ ભગવાનના મંદિર તો હોય જ છે. ભારતમાં અલગ અલગ ધર્મ અને જાતિના લોકો રહે છે અને તેમની સાથે તેમના ભગવાનનો પણ વાસ હોય છે. આપણી આસપાસ દરેક વિસ્તારમાં હજારો મંદિરો આવેલા છે. દરેક મંદિરની કોઈને કોઈ ખાસિયત પણ હોય છે. કેટલાક મંદિરો તેના ચમત્કારોના કારણે પણ પ્રખ્યાત થયા છે. આવા જ પાંચ ચમત્કારી મંદિર વિશે આજે તમને જણાવીએ. આ પાંચ મંદિર ચમત્કારી એટલા માટે છે કે તેના દર્શન કરવા માત્રથી વ્યક્તિની મનની ઈચ્છા પૂરી થઈ જાય છે. આવા જાગૃત મંદિરોમાંથી એક ગુજરાતમાં આવેલું છે.
ગુજરાતમાં આવેલું પાવાગઢનું મહાકાળી મંદિર પણ એક શક્તિપીઠ છે. અહીં પણ માતા જાગૃત અવસ્થામાં બિરાજે છે. અહીં દર્શને આવનાર દરેક ભક્તની ઈચ્છા પૂર્ણ થઈ જાય છે તેવી માન્યતા છે. દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો અહીં પગપાળા ચાલીને આવે છે અને માતાના દર્શનનો લાભ લે છે.
પાવાગઢ શક્તિપીઠ ગુજરાતના વડોદરા શહેરથી આશરે 50 કિ.મી. અને ઐતિહાસિક સ્થળ ચાંપાનેરની નજીક આવેલું પવિત્ર યાત્રાધામ છે. ગુજરાતમાં મુખ્ય ત્રણ શક્તિપીઠ-આરાસુર ખાતે અંબાજી, બુહચારજી અને પાવાગઢના મહાકાળી માંના પવિત્ર ઘામ આવેલા છે. પુરાણોક્ત દંતકથા અનુસાર દક્ષના યજ્ઞમાં સતીએ પોતાના પ્રાણની આહુતિ આપ્યા બાદ ક્રોધિત થયેલા રુદ્રએ તાંડવ નૃત્ય કર્યું અને સતીના મૃત શરીરને લઈ વિચરણ કર્યું, આ દરમિયાન સતીના શરીરના ભાગો ભારતના અનેક સ્થળોએ વેરાયા અને આ સ્થળોએ શક્તિપીઠોનું સર્જન થયું, ચાંપાનેર નજીકના પાવાગઢ ઉપર સતીનું ડાબું સ્તન પડ્યું હતું તેવી માન્યતા છે.
પાવાગઢ પૌરાણિક પર્વત છે. આસપાસના વિસ્તારમાં આ એકમાત્ર પર્વત છે. જેની ઉપર ચારેતરફથી સૌમ્ય અને શાંત પવન વહેતો રહે છે. દંતકથા પ્રમાણે પાવાગઢ ફરતેની ખીણ ઋષિ વિશ્વામિત્રએ પોતાની શક્તિઓ વડે ભરી દીધી હતી. અને કાલિક માતાનું ચિત્ર વિશ્વામિત્ર દ્વારા સ્થાપવામાં આવ્યું હતું. વડોદરાની નજીક થઈને પસાર થતી વિશ્વામિત્ર નામની નદી અહિંથી જ ઉદભવે છે. પાવાગઢના કાલિક માતાજી દક્ષિણ કાળી તરીકે પૂજાય છે અને વૈદિક તથા તાંત્રિક વિધિઓ અનુસાર અહીં પૂજા-અર્ચના થાય છે. આસો અને ચૈત્રી નવરાત્રિના દિવસોમાં અહીં વિવિધ ઉત્સવો, ઉજવણીઓ યોજાય છે.
અનેક સત્તાપલટાં જોઈ ચૂકેલા પાવાગઢ
પાવાગઢની નજીક આવેલા ઐતિહાસિક ચાંપાનેર કિલ્લો ભૂતકાળ અને સલ્તનતો, શાસકોનો સમય જોઈ ચુક્યો છે. આ સુંદર શહેર મૂળ રાજપુતોના શાસન હેઠળ હતું. ત્યારપછી 15મી સદીના ઉત્તરાર્ધમાં આ પ્રદેશ ગુજરાતના સુલ્તાનોનાં શાસન હેઠળ અને તે પછી હુમાયુંના કબ્જા હેઠળ આવ્યો. હુમાયું પાસેથી આ કિલ્લો સુલ્તાન બહાદુરશાહે જીતી લીધો. જેની પાસેથી અકબરે આ કિલ્લો મેળવ્યો. મોગલકાળ બાદ આ પ્રદેશ મારાઠાના વહીવટ હેઠળ આવ્યો અને આખરે બ્રિટીશરોએ આ કિલ્લાનો કબ્જો મેળવ્યો. ચાંપાનેર અને પાવાગઢને પર્વતો પરથી પસાર થતો સુંદર મજાનો રસ્તો પરસ્પર જાડે છે.
મહાકાળી મંદિરમાં કાલિકા માતાજીના ચિત્રની પૂજા થાય છે. આ મંદિરમાં મહાકાળી માતાજીના ચિત્ર ઉપરાંત માતા બહુચરાજીનું યંત્ર પણ સ્થાપિત કરવામાં આવ્યું છે. મહાકાળી જવાના માર્ગમાં છાસિયા તળાવ અને દુધિયા તળાવ એવા બે તાળાવો પણ આવે છે. સમગ્ર ભારતના હિંદુ નાગરિકો મહાકાળી માતાજીમાં અખૂટ શ્રદ્ધાં અને વિશ્વાસ ધરાવે છે. ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના લોકો પાવાગઢના મહાકાળી માતાજી પ્રત્યે વિશેષ પૂજ્યભાવ અને આદરભાવ ધરાવે છે.
પૂર્વ ગુજરાતમાં સમુદ્રતળથી 2930 ફૂટની ઉંચાઈ ધરાવતો પાવાગઢ પર્વત પૌરાણિક છે. દંતકથા અનુસાર પાવાગઢ પર્વતની જગ્યાએ પહેલાં બહુ મોટી ખાઈ હતી જેમાં આશ્રમની ગાયો પડી જવાથી વિશ્વામિત્ર ઋષિની તપસ્યા ભંગ થતી. આથી વિશ્વામિત્ર ઋષિએ એક મોટો પર્વત ઉપાડીને આ ખીણમાં નાખ્યો જેથી ખીણ પુરાઈ ગઈ. ઋષિએ ખીણમાં નાખેલા પર્વતનો હિસ્સો એટલે પાવાગઢ પર્વત. કલિકાળમાં અહીં પ્રગટ થયેલા મા મહાકાળી આજે સમગ્ર વિશ્વના શક્તિ ઉપાસકો માટે આસ્થાનું કેન્દ્ર છે. પાવાગઢ પર્વતનું ચઢાણ કરવું એ જીવનનો એક લહાવો ગણાય છે. પર્વતના ચઢાણ દરમિયાન રસ્તામાં વિશ્વામિત્રી નદીનો પટ, મેડી તળાવ અને અટ દરવાજો ઘણાં મુલાકત લેવા જેવા સ્થળો આવે છે.
રાજ્યના તમામ શહેરો સાથે આ કનેક્ટિવીટી ધરાવતું પાવાગઢઘામ
ગુજરાતના તમામ મહત્વના શહેરો સાથે પાવાગઢ માર્ગો વડે જોડાયેલું છે. વડોદરાથી દર 30 મિનિટે પાવાગઢ જવા માટેની બસ મળી રહે છે. પાવાગઢ અને વડાદરા વચ્ચેનું અંતર માત્ર 30 માઈલનું જ છે. પાવાગઢ જનાર યાત્રાળુઓએ પર્વતની તળેટીના બસ સ્ટેન્ડે ઉતરીને પર્વત ઉપર માંચી સુધી ચઢાણ કરવાનું રહે છે. જ્યાંથી યાત્રાળુ ઈચ્છે તો રોપ-વે કેબલ કાર દ્વારા પર્વતના શિખરે મંદિરમાં જઈ શકે છે. અથવા પર્વતના પગથિયા પગપાળાં ચઢી શકે છે. ગુજરાતના અન્ય શક્તિપીઠની જેમ, પાવાગઢની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય આસો (ઓક્ટોબર) તથા ચૈત્રી નવરાત્રિનો ગણાય છે. આ બન્ને ગાળામાં લાખો શ્રદ્ધાળુઓ માતા મહાકાળીના ચરણોમાં શીશ નમાનીને માતાજીનું શરણ માંગે છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રીલ્સ મીડિયા વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]