હું એક છોકરાના પ્રેમમાં છું. તે પણ મને ચાહતો હોય એવું મને લાગે છે. પરંતુ આજ સુધી અમે એકબીજા સાથે મૈત્રી બાંધવા માટે પહેલ કરી નથી માત્ર અમે બંને એકબીજા સામે જોઈને હસીએ જ છીએ.
હું ૩૦ વર્ષની ત્રણ સંતાનની માતા છું. મારા પતિ અભણ છે. તેમને સંતતિ નિયમનના સાધનો વાપરવા ગમતા નથી. આથી મારે કેટલીક વાર ગર્ભપાત કરાવવો પડયો છે. તો તમે અમને એવી ગોળી બતાવો જેનાથી ગર્ભ રહે નહીં અને તે કેવી રીતે લેવાની હોય છે તેની માહિતી પણ આપશો. -એક મહિલા (ભાવનગર)
* તમારા પતિને સંતતિ નિયમના સાધનો વાપરવા ગમતા ન હોય તો તમે સંતતિ નિયમના સાધન વાપરી શકો છો. કોપર-ટી અથવા ગોળીનો ઉપયોગ થઈ શકે છે. તમારા ડૉક્ટરની સલાહ લઈ યોગ્ય સંતતી નિયમન પધ્ધતિ અપનાવો. વારેવારે ગર્ભપાત કરાવવાથી તમારું સ્વાસ્થ્ય જોખમમાં મૂકાઈ શકે છે. તમે આમાથી કોઈ પણ એક સાધન વાપરો. આનાથી તમારા જાતીય જીવન પર કોઈ અસર પડશે નહીં.
હું ૩૩ વર્ષની બે સંતાનની માતા છું. એક બહેનની દયા ખાઈ મેં તેને મદદ કરી હતી પરંતુ હવે તે મને ખોટી રીતે બદનામ કરે છે. મારા મનની વાત હું કોઈને પણ કહી શકું તેમ નથી તે મને ડરાવીને હેરાન કરે છે. કેટલીક વાર આત્મહત્યા કરવાનો વિચાર આવે છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી. -એક બહેન (રાજકોટ)
* આત્મહત્યા કરવાનો વિચાર છોડી દો. હિંમત ભર પરિસ્થિતિનો સામનો કરો. તમારા પતિને તમારી બાજુ સ્પષ્ટ કરવા પ્રયાસ કરો. તમને વર્ષોથી ઓળખતા લોકો તમારી વાત જરૂરથી સમજી શકશે. આ સ્ત્રી તમને કઈ રીતે હેરાન કરે છે. તમે તેને કેવી પરિસ્થિતિમાં બચાવી છે એ તમે સ્પષ્ટ કર્યું નથી. આથી તમારા પ્રશ્નનો ઉત્તર આપવાનું કામ થોડું મુશ્કેલ છે.
તમારા કોઈ શુભચિંતક સમક્ષ તમારી બાજુ રજુ કરી તેમને તમારા પતિને સમજાવવાનું કહો. ખાતરી છે કે તમારા પતિ બીજાની વાતમાં આવીને પોતાની પત્નીને અન્યાય નહીં કરે એ મહિલાથી ડરવાનું છોડી તેનો સામનો કરો. તેનું જુઠ્ઠાણું લાંબો સમય ચાલશે નહીં.
હું ૨૨ વર્ષનો છું મારી બાજુમાં રહેતી એક પરિણિત મહિલાથી હું આકર્ષાયો છું. મારે તેની સાથે લગ્ન કરવા છે તેના વિચારો આવતા જ મારે હસ્તમૈથુન કરવું પડે છે. મારે શું કરવું તે જણાવવા વિનંતી. -એક યુવક (પોરબંદર)
* આ ઉંમરે વિજાતિય વ્યક્તિનું આકર્ષણ સામાન્ય છે. આ પ્રેમ નથી આ ક્ષણિક આવેગ છે. આ મહિલા તેના જીવનમાં સુખી છે આથી તેને ભૂલી જાવ અને તમારી ઉંમરની યુવતીઓ સાથે મૈત્રી બાંધો. તમારે કોઈ ચિકિત્સક કે સેક્સોલોજીસ્ટની સલાહ લેવાની જરૂર છે.
હું એક છોકરાના પ્રેમમાં છું. તે પણ મને ચાહતો હોય એવું મને લાગે છે. પરંતુ આજ સુધી અમે એકબીજા સાથે મૈત્રી બાંધવા માટે પહેલ કરી નથી માત્ર અમે બંને એકબીજા સામે જોઈને હસીએ જ છીએ. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી. -એક યુવતી (નડિયાદ)
* તમારે એકબીજા સાથે વાતચીત કરવી જરૂરી છે. તમારી સામે જોઈ એ હસે છે એ કારણે એ તમારા પ્રેમમાં છે એમ તમે ખાતરીપૂર્વક કેવી રીતે કહી શકો છો? તેની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરો ધીરે ધીરે મૈત્રી વધારો તમારી ઉંમર કેટલી છે? એ છોકરાની ઉંમર કેટલી છે? એ તમે જણાવ્યું નથી. તમારા બંનેની ઉંમર નાની હોય તો હમણાં મૈત્રીને પ્રેમનું સ્વરૂપ આપતા નહીં.
હું ૨૫ વર્ષનો છું. મારાથી મોટી ઉંમરની મહિલા સાથે મારો શારીરિક સંબંધ છે. પરંતુ હવે મારે તેની સાથે સંબંધ રાખવા નથી પરંતુ તે મારી વાત માનતી નથી અને મને તેની સાથે શારીરિક સંબંધ બાંધવાની ફરજ પાડે છે. મારે આ કિસ્સો ખતમ કરવો છે મારે શું કરવું તે જણાવશો. -એક યુવક (ઉંઝા)
* તમારી મરજી વિરુદ્ધ એ મહિલા તમને તેની સાથે સંબંધ બાંધવા કેવી રીતે મજબૂર કરી શકે એ મને સમજાતું નથી. તાળી એક હાથે પડતી નથીએ માટે બે હાથની જરૂર છે. આથી આમા તમારી મરજી પણ હોવી જોઈએ તમારે આ સંબંધ પર પૂર્ણ વિરામ મૂકવું હોય તો તરત જ તેની સાથેના સંબંધ કાપી નાખો.
હું ૨૦ વર્ષની છું. મારું માસિક અનિયમિત છે તેમજ મારા સ્તન પણ નાના છે. શું હું હાર્મોન્સની ગોળી લઈ શકું છું? -એક યુવતી (મુંબઈ)
* હાર્મોન્સની ગોળી લેવાની ભૂલ કરતા નહીં. ડૉક્ટરની સલાહ વિના કોઈ પણ પ્રકારની ગોળી ખાવી યોગ્ય નથી. તમે કોઈ સારા ગાયનેકની સલાહ લો. હાર્મોનસ ટેસ્ટ કરાવો. તેમજ વ્યાયામ તેમજ સંતુલિત આહાર લો. સ્તન નાના હોવાથી ચિંતા કરવાની જરૂર નથી. સેક્સોલોજીસ્ટોએ જણાવ્યા પ્રમાણે નાના સ્તનમાં સંવેદનનાં નર્વ્સ વધુ હોવાથી તેનામાં જાતીય ઉત્તેજના વધુ હોય છે અને આ કોઈ શારીરિક ખોડ નથી. આથી ચિંતા કરવાનું છોડી દો.