પ્રશ્ન : મારી હમણાં જ સગાઇ થઇ છે. મારો ફિયાન્સે અને સાસરિયાં બહુ જ સારાં છે. તેઓ સંયુક્ત પરિવારમાં રહે છે. મારી ફ્રેન્ડ મને કહેતી હતી કે સંયુક્ત પરિવારમાં રહેવા માટે બહુ એડજસ્ટમેન્ટ કરવું પડે છે. મને તેની વાત સાંભળીને બહુ ડર લાગે છે. સંયુક્ત પરિવારમાં રહેવાથી શું ફાયદો થાય? એક યુવતી (રાજકોટ)
ઉત્તર : સંયુક્ત પરિવારમાં રહેવાના પોતાના આગવા ફાયદા છે. સંયુક્ત પરિવારમાં રહેવાથી તમને વસ્તુને શેર કરવાનું શીખવા મળે છે. ક્યારેક ક્યારેક જીવનમાં એવો સમય આવી જાય છે જ્યારે આર્થિક સમસ્યા ઉભી થાય છે. આવા સમયમાં પણ સંયુક્ત પરિવાર ઘણો સધિયારો આપે છે. જે લોકો એકલા રહેતા હોય છે તેઓ વીજળી, પાણી, ગેસ જેવી વસ્તુનો વધારે ખર્ચ કરતા હોય છે.
જે ઘરમાં ઘણા લોકો રહેતા હશે તો પરસ્પર ખર્ચ પણ વહેંચાઈ જાય છે. આ કારણે મની મેનેજમેન્ટ સંયુક્ત પરિવારમાં વધારે જોવા મળે છે. એકલા રહેતા લોકોને જીવનમાં વધારે તાણનો સામનો કરવો પડે છે, જ્યારે સંયુક્ત પરિવારમાં લોકો વધારે ખુશહાલ રહેતા હોય છે. એકસાથે રહેવાનો બીજે એક લાભ એ પણ છે કે તમે તમારી સમસ્યા બીજા સભ્યો સાથે વહેંચી શકો છો.
પ્રશ્ન : હું ૩૮ વર્ષની છું. મારા લગ્નને ૧૭ વર્ષ થયા હોવા છતાં પણ મને સંતાન સુખ લાભ્યું નથી અમારા બંનેના રિપોર્ટ નોર્મલ આવ્યા છે. અમારામાં કોઈ ખામી નથી. અમે ઘણા ઉપાયો કર્યા પરંતુ અમને સંતાન થતા નથી. મારી બહેનપણીની સલાહ માની મેં મારા પતિ સિવાય અન્ય પુરુષો સાથે શરીર સુખ માણવાનું શરૂ કર્યું છે. પરંતુ હજુ સુધી એનું પરિણામ મળ્યું નથી. ઇચ્છા ન હોવા છતાં પણ સંતાનની આશાએ હું પર પુરુષો સાથે સંબંધ રાખું છું. મારી બહેનપણી આવા પ્રયોગમાં સફળ થઈ હોવાથી મને પણ આશા જન્મી છે. શું આ કારણે એઇડ્સ થવાની શક્યતા છે ખરી? શું આમાં મને સફળતા મળશે ખરી? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી. – એક મહિલા (અમદાવાદ)
ઉત્તર : શું તમે કોઈ નિષ્ણાત ગાયનેકોલોજિસ્ટ પાસે આ માટે જરૂરી એવી બધી તપાસ કરાવી છે? સંતાનની આશા સૌને હોય છે પણ આ માટે આવો અનૈતિક માર્ગ અપનાવવો યોગ્ય નથી. તમારા નસીબમાં સંતાન નહીં હોય તો તમે ગમે તેટલા પુરુષો સાથે સંબંધ બાંધશો તો પણ તમને સંતાન થશે નહીં અને તમારામાં જ કોઈ ખામી હશે તો આ પ્રયોગ પણ સફળ થશે નહીં. આમ કરી તમે તમારા પતિનો વિશ્વાસઘાત કરી રહ્યા છો.
અને કાલ ઊઠીને કોઈ બીજા પુરુષ દ્વારા તમને સંતાન થશે અને તમારા પતિને તમારા પર શક જશે અને આ સંતાન તેમનું નથી એ વાત સાબિત થશે તો તમારું અને તમારા બાળકનું ભવિષ્ય અંધકારમય બની જશે. અને લગ્નેતર સંબંધ બાંધવાને કારણે એઇડ્સનું પણ જોખમ છે. આ ઉપરાતં આમ કરવાથી તમારા ચારિત્ર પર લાંછન લાગવાની શક્યતા છે. આથી આ પ્રયોગ છોડી કોઈ સારા ડોક્ટરની સલાહ લો અને ઉપચાર કરાવો આજે તો વિજ્ઞાાને ઘણી પ્રગતિ કરી છે. ટેસ્ટ ટયૂબ બેબી જેવી પદ્ધતિ વિશે ડોક્ટર સાથે ચર્ચા કરો. આમ કરવા છતાં પણ સફળતા ન મળે તો કોઈ બાળક દત્તક લો પરંતુ પર પુરુષો સાથે સંબંધ બાંધવાનું બંધ કરો અને તમારા પતિને વફાદાર રહો.