બિહારમાં દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં પણ દાણચોરો દારૂની હેરાફેરી કરવાની અવનવી રીતો અપનાવી રહ્યા છે. તાજેતરનો મામલો મુઝફ્ફરપુર જિલ્લાનો છે, જ્યાં પોલીસને કચરો ભરેલી ટ્રકમાંથી દારૂ મળ્યો. આ જોઈને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.
ખરેખર, સદર પોલીસ સ્ટેશન વિસ્તારના ડુમરી ફરદો પાસે એક ટ્રક પલટી ગઈ. તે કચરો ભરેલો હતો. ટ્રક પલટી જતાં ચાલક અને તેનો સાગરિત બંને સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા. અકસ્માતને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.
લોકોએ આ અંગેની માહિતી સદર પોલીસને આપી હતી. આ પછી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રકને ઉપાડવાનું કામ શરૂ કર્યું હતું. ટ્રક ઉપાડ્યા બાદ ડ્રાઈવર અને તેના સહયોગીની શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ તેઓ મળી શક્યા ન હતા.
પોલીસને કચરાને લઈને શંકા ગઈ
આ પછી પોલીસે ટ્રકને કબજે કરી પોલીસ સ્ટેશન લઈ આવી હતી.જ્યારે અહીં તપાસ કરવામાં આવી ત્યારે પોલીસને ટ્રકમાં ભરેલો કચરો જોઈને શંકા ગઈ હતી. જેના આધારે પોલીસે કચરો હટાવવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન પોલીસે ટ્રકમાં બનેલું ભોંયરું જોયું, જ્યાંથી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો. ઝડપાયેલા દારૂની અંદાજિત કિંમત 50 લાખની આસપાસ છે. દારૂની હેરાફેરી કરનારાઓએ ટ્રકની અંદર ભોંયરું બનાવ્યું હતું. તેમાં દારૂ સંતાડ્યા બાદ ઉપર કચરો ભરી દેવામાં આવ્યો હતો, જેથી કોઈને શંકા ન જાય. જે ટ્રક પકડાઈ છે તે હિમાચલ પ્રદેશમાં નોંધાયેલ છે.