મારી ઉંમર ૩૨ વર્ષની છે અને મારા પતિની ઉંમર ૩૫ વર્ષની છે. અમને બે બાળકો છે. અમારું લગ્નજીવન ખૂબ જ સુખી છે. અમારા એક મિત્ર છે. એમની ઉંમર ૩૭ વર્ષની છે અને એમની પત્નીની ઉંમર ૩૪ વર્ષની છે. અમને ચારેયને ‘ફોર અ ચેન્જ’ પાર્ટનર ચેન્જ કરીને સમાગમ કરવાનું થાય છે. અમને અમારી જાતિય જિંદગીમાં એકના એક પાર્ટનરથી કંટાળો આવે છે. તો શું આવું કરવું યોગ્ય ગણાશે? – એક મહિલા (સુરત)
આપણે ત્યાં એક જમાનામાં લગ્નની પ્રથા જ નહોતી. ગમે તે વ્યક્તિ ગમે તે જોડે જઈ શકતી. લગ્નની પ્રથા શ્વેતકેતુ ઉદ્દાલકે શરૃ કરી. એકવાર શ્વેતકેતુ તેની માતા અને પિતા ઋષિ ઉદ્દાલક જોડે બેઠા હતા. એ વખતે એક બ્રાહ્મણ આવ્યા અને શ્વેતકેતુની માતાને પોતાની સાથે આવવા કહ્યું અને શ્વેતકેતુની માતા સ્વેચ્છાથી એ બ્રાહ્મણ જોડે ગયા. શ્વેતકેતુને આ પસંદ ન પડયું અને તેણે પિતાને પૂછ્યું, ‘આ શું છે?’ ઋષિ ઉદ્દાલકે કહ્યું, ‘આ ગોધર્મ છે, ગમે તે વ્યક્તિ ગમે તેની જોડે સ્વેચ્છાથી જઈ શકે છે.’
‘શ્વેતકેતુને આ પસંદ ન પડયું અને ત્યાર બાદ તેણે લગ્નની પ્રથા શરૂ કરી. ઈતિહાસમાં લગ્નની પ્રથા સમાજમાં સંજોગોવશાત્ બદલાયા કરે છે. તમને શું ગમે છે અને તમારે શું કરવું એ વિશેનો આખરી નિર્ણય તમારો જ હોઈ શકે… અલબત્ત નિર્ણય લેતાં પહેલાં ત્રણ ‘આર’ મગજમાં રાખીને પછી નિર્ણય લેશો તો તમારા માટે હિતકર નીવડશે. આ ત્રણ ‘આર’ છે રાઈટ, રિસપોન્સિબિલિટી અને રિસ્પેક્ટ. તમારે કોની સાથે સમાગમ કરવો અને કોની સાથે ન કરવો એ નક્કી કરવાનો તમારો રાઈટ(હક) છે. પણ રાઈટની જોડે રિસ્પોન્સિબિલિટી (જવાબદારી) રહેલી છે.
અજાણી વ્યક્તિ જોડે સમાગમ કર્યાં પછી કોઈ બીમારી તો નહીં લાગે ને! એઈડ્સ જેવી ખતરનાક બીમારીને નોતરું તો નહીં આપી બેસું ને! આ કામ કર્યા પછી મારાં બાળકોને કે કુટુંબમાં ખબર પડી જશે તો? જેની જોડે સમાગમ કર્યો એ વ્યક્તિ બીજા એના મિત્રોને કહી દેશે તો? આ વિશેની કોઈ ભાવના કે હીનભાવના મને પાછળથી સતાવશે તો નહીં? આ બધા પ્રશ્નો સમજી વિચારીને પછી જ વ્યવસ્થિત રીતે આગળ વધવું જોઈએ. રાઈટ અને રિસ્પોન્સિબિલિટી સાથે રિસ્પેક્ટ (માન, આદર) પણ હોવો જરૃરી છે.
આ કાર્ય કર્યા પછી યોગ્ય માન અને આદર પોતાના માટે અને સામેવાળી વ્યક્તિ માટે સચવાવું આવશ્યક બની શકશે કે નહીં? આ ત્રણેય ‘આર’ મગજમાં રાખીને પછી નિર્ણય લેશો તો મહદંશે એ નિર્ણય તમારા હિતમાં રહેશે. નોંધ : એક જ વ્યક્તિ જોડે, એક જ રીતે, એક જ સમયે, એક જ શયનખંડમાં સમાગમ યોજવાથી જરાક મોનોટોની (એકસરખી ક્રિયા પછી સર્જાતી કંટાળાજનક સ્થિતિ) આવે એ સ્વાભાવિક છે. પણ એ મોનોટોની દૂર કરવાના ઘણા રસ્તાઓ પણ ઉપલબ્ધ છે. જેવા કે એકબીજાને ઉત્તેજના પમાડે અને સમાગમમાં નવીનતા બક્ષે એવો આનંદયુક્ત વ્યાયામ. આની વાત ઋષિ વાત્સ્યાયને કામસૂત્રમાં કરી છે અને એ જ વાતનું પુનરાવર્તન અમેરિકાના પ્રખ્યાત સેક્સોલોજિસ્ટ માસ્ટર્સ અને જોનસને કર્યું છે. સંવનન (સંભોગ પહેલાંની ગતિવિધિ)નો આનંદ અને તે મેળવવાની કળા એ ઘણીવાર કંટાળાજનક બનતાં જતાં લગ્નજીવનની ઉત્તમ અને અજોડ ચાવી સાબિત થઈ શકે.
હું અને મારી પત્ની અત્યાર સુધી બટાટા નહોતાં ખાતાં અને હવે ખાવાનું શરૂ કર્યું છે. હમણાં હમણાં અમારો સમાગમ લાંબો ચાલે છે અને આનંદ વધુ આવે છે. શું આ બટાટાને આભારી હશે? – એક ભાઈ (મુંબઈ)
બિલકુલ નહીં… બટાટામાં એવું કોઈ જ સત્ત્વ નથી જે સેક્સટોનિકની ગરજ સારી શકે. બટાટાએ કંદમૂળ છે અને આયુર્વેદની દ્રષ્ટિએ વાતવર્ધક છે. લાંબા ગાળે બટાટાના નિયમિત અને વધુ માત્રાના સેવનથી એ નુકસાનકારક નીવડી શકે પણ ફાયદાકારક તો ચોક્કસ નહીં. ઘણીવાર બટાટાનો આકાર અંડકોશને મળતો આવતો હોવાથી લોકોમાં એવી ભાવના પ્રવર્તતી હોય છે કે આમાં પણ હોર્મોન વધારવાની જડીબુટ્ટી છૂપાયેલી હશે. આવી ભ્રામક ભાવના ઈંડા, કાંદા વગેરે માટે પણ પ્રવર્તે છે. પરંતુ તેમાં કોઈ તથ્ય નથી.
પ્રેમ અને પરણવાને કારણે કોઈ સીધો સંબંધ ખરો? – એક યુવક (અમદાવાદ)
પ્રેમ અને પરણવાને કોઈ સીધો સંબંધ નથી. પ્રેમ થવો એ સહેલું છે પણ નિભાવવો મુશ્કેલ છે. લગ્ન કરવાં એ સહજ છે પણ પચાવવા તેજ છે. પ્રેમ હોય તો પરણી શકાય અને પણ્યા હો તો પણ પ્રેમ કરી શકાય. પ્રેમ એ વિવેચનનો નહીં પણ સંવેદનાનો વિષય છે. તુષાર શુકલએ બહુ સુંદર લખ્યું છે કે ‘પ્રેમ એ અવસ્થા છે અને પરણવું એ વ્યવસ્થા છે.’