પ્રશ્ન : હું 22 વર્ષની યુવતી છું. હું 19 વર્ષની હતી ત્યારે મેં ભણતાં-ભણતાં જ મારી સાથે ભણતા એક યુવક સાથે લગ્ન કર્યાં હતાં. આના કારણે મારો અભ્યાસ પણ અધૂરો રહી ગયો હતો. ઉતાવળમાં લેવાયેલા આ નિર્ણયમાં મારાં માતા-પિતા સંમત નહોતાં, પરંતુ મેં તેમની સલાહ માન્યા વગર જ લગ્ન કરી લીધા હતા. લગ્નના એક જ વર્ષમાં હું માતા બની ગઇ હતી. હવે મારા પતિ રોજ જ મારી સાથે ઝઘડો કરે છે અને મારા નિર્ણયનો પસ્તાવો થાય છે. છૂટાછેડા લેવાનો મારો નિર્ણય યોગ્ય છે? -એક યુવતી (સુરત)
ઉત્તર : યુવાન પેઢી સમજ્યા-વિચાર્યા વગર પ્રેમમાં અંધ બની નિર્ણય લઈ લે છે અને પાછળથી પસ્તાવાનો વારો આવે છે અને વાત છૂટાછેડા સુધી પહોંચે છે. આવા કિસ્સા અવારનવાર સાંભળવા મળે છે. એક વાર તમે ભૂલ કરી છે. હવે બીજી વાર એ ભૂલનું પુનરાવર્તન કરતા નહીં. ભૂતકાળ પર નજર ફેરવીને તમારા સંબંધને મજબૂત બનાવવાનો પ્રયાસ કરો. વિવાહિત જીવન સુખી બનાવવા સમય આપવાની જરૂર છે.
આ ઉપરાંત તમારે સંતાનનાં ભવિષ્યનો વિચાર કરવાની જરૂર છે. જો બહુ પ્રયાસ કર્યા પછી પણ તમે લાગતું હોય કે તમે હવે તમારા પતિ સાથે રહી જ નહીં શકો તો ગભરાવાને બદલે સૌથી પહેલાં માતા-પિતાનો સંપર્ક કરીને તમારી આપવીતી જણાવો. મોટાભાગે સમજદાર માતા-પિતા દીકરીને મુશ્કેલીના સમયમાં ટેકો જ આપે છે. જો તમને માતા-પિતાનો સહારો મળે એમ હોય તો સૌથી પહેલાં તમારો અભ્યાસ પૂર્ણ કરીને તમારા પગ પર ઉભા રહેવાનો પ્રયાસ કરો. આ રીતે તમે જીવનમાં હકારાત્મક રીતે આગળ વધી શકશો.
પ્રશ્ન : હું 37 વર્ષીય વિધવા મહિલા છું. મારા લગ્ન દસ વર્ષ પહેલાં થયાં હતાં અને મારે આઠ વર્ષનો દીકરો પણ છે. મારા પતિનું પાંચ વર્ષ પહેલાં એક અકસ્માતમાં અવસાન થઇ ગયું છે. પહેલાં તો મેં એકલા જ રહેવાનો નિર્ધાર કર્યો હતો પણ હવે મને પણ એકલતા સાલે છે. મારો પરિવાર મને બીજાં લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યો છે પણ હું હજી પણ કન્ફ્યુઝ છું. મારે શું કરવું જોઇએ? -એક યુવતી (અમદાવાદ)
ઉત્તર : લગ્ન એટલે જીવનભરનો સાથ, પરંતુ નિયતિ પર કોઈનો કંટ્રોલ નથી હોતો. ઘણી વખત અકળ કારણોસર જીવનમાં અધવચ્ચે જીવનસાથીનો સાથ છૂટી જાય છે. કોઈ પણ સ્ત્રી માટે સૌથી દુઃખદ સ્થિતિ ત્યારે આવે છે, જ્યારે લગ્નના અમુક વર્ષો પછી તેના પતિનું નિધન થઈ જાય. આવી આઘાતજનક મનોસ્થિતિમાંથી બહાર નીકળવા માટે એકાદ-બે વર્ષનો સમય અવશ્ય લેવો જોઈએ. પછી શાંતિથી સ્ત્રીએ પોતાના નવજીવન માટે નવી રીતે ભવિષ્ય માટે વિચારવું જોઈએ. તમારા કિસ્સામાં તમારે આઠ વર્ષનો દીકરો પણ છે ત્યારે બહુ સમજી વિચારીને નિર્ણય લેવો જોઇએ.
જો તમે કોઈ બાળકવાળા વિધૂર કે છૂટાછેડાવાળી વ્યક્તિ સાથે લગ્નનો નિર્ણય લેવા જાવ તો તે પૂર્વે એ સુનિશ્ચિત કરી લો કે તમે તે બાળકની કે બાળકોની જવાબદારી સારી રીતે ઉઠાવી શકશો કે નહીં અને તમારા ભાવિ પતિનો પરિવાર તમારાં સંતાનને સ્વીકારવા માટે માનસિક રીતે તૈયાર છે કે કેમ? તમારે એ વાત ચેક કરવી જોઇએ કે શું ભાવિ પતિ આપના બાળકોને એટલો પ્યાર અને સંરક્ષણ આપી શકશે કે જેથી તેને ભવિષ્યમાં પિતાની કમી મહેસૂસ ના થાય?
જો તમને એકલતા અનુભવાતી હોય તો પુનર્વિવાહ કરવામાં કોઇ વાંધો નથી પણ એ પહેલાં આપની પાસે આવાં બધાં જ સવાલોના સ્પષ્ટ જવાબ અવશ્ય હોવા જોઈએ. આપના અને બાળકના ભવિષ્ય પ્રત્યે સંપૂર્ણપણે સંતુષ્ટ થયા પછી જ બીજા લગ્નનો નિર્ણય લો. અંતમાં સૌથી જરૂરી વાત એ છે કે, ભલે સ્ત્રી હોય કે પુરુષ બધાએ પોતાના નવા જીવનની શરૂઆત હંમેશાં સકારાત્મક વિચારધારા સાથે કરવી જોઈએ.