હું ૧૭ વરસની છું. અને મારો બોયફ્રેન્ડ ૨૦ વર્ષનો છે. એક દિવસ તે મને તેના રૂમમાં લઇ ગયો અને તેણે મારી સાથે શારીરિક છૂટછાટ લેવાની શરૂઆત કરી. મેં ના પાડી તો તેણે મને છોડી દેવાની ધમકી આપી. તે દિવસે એણે સમાગમ સિવાય બધી જ છૂટછાટ લીધી હતી. હવે તેને સમાગમ પણ કરવો છે. પરંતુ મને લગ્ન પૂર્વે આમાં રસ નથી. તે મને છોડી દેશે એવો પણ મને ડર લાગે છે. મારે શું કરવું એ જણાવવા વિનંતી. – એક યુવતી (ગુજરાત)
આ છોકરો તમને છોડીને જતો રહે એમાં જ તમારી ભલાઇ છે. કારણકે, આને તમારી પ્રત્યે પ્રેમ નથી. તે માત્ર તમારો ઉપભોગ જ કરવા માગે છે અને આમ પણ તમારી ઉંમર ઘણી નાદાન છે. નાદાનીમાં કોઇ ભૂલ થઇ જશે અને તમને ગર્ભ રહી જશે તો તમે અને તમારો પરિવાર મુશ્કેલીમાં મૂકાઇ જશે. આ વખતે તમારો આ કહેવાતો પ્રેમી તમારી પડખે ઊભો રહેશે નહીં એ વાત પણ જાણી લો. આથી એ છોકરા સાથે તમામ સંપર્ક કાપી નાખો અને એની સાથે એકાંતમાં જવાનું ટાળો. આવા છોકરા પાછળ આંસુ સારીને કોઇ અર્થ નથી.
હું ૩૩ વરસની છું. નોકરી કરું છું. મારે એક પુત્રી છે. મારા પતિ પણ સારા છે. પરંતુ છેલ્લા ૧૩ વર્ષથી મારે અમારી પાડોશમાં રહેતા એક છોકરા સાથે પ્રેમ છે. તેની ઉંમર ૩૨ વર્ષની છે. હવે એણે મારી સાથે સંબંધ તોડી નાખ્યો છે. તે મારી સાથે વાત પણ કરતો નથી. તેનું કહેવું છે કે તેના પરિવારના સભ્યો તેને માટે છોકરી શોધે છે. તે જોબ કરતો નહોતો ત્યાં સુધી તેણે મારી સાથે સંબંધ રાખ્યો હતો. મને કોઇએ કહ્યું કે તેના બીજી સ્ત્રી સાથે અફેર છે. હું તેને ભૂલી શકતી નથી. મારે શું કરવું? – એક મહિલા (અમદાવાદ)
તમારે માત્ર એ પુરુષને ભૂલી તમારા સંસારમાં મન પરોવવાનું છે. લગ્નેતર સંબંધનો આવો જ અંત આવે છે. તમે કહો છો તમારા પતિ સારા છે. તો પછી પર પુરુષ પ્રત્યે આકર્ષણ થવાનું કારણ શું? તમારા પતિને વફાદાર રહેવાનું શરૂ કરો. શું તમે એ પુરુષને આર્થિક મદદ કરતા હતા? આ પ્રશ્નનો ઉત્તર ‘હા’ હોય તો એ પુરુષ પોતાના સ્વાર્થ માટે તમારી લાગણીઓ સાથે રમત રમતો હતો. તમારે એને ભૂલવો જ પડશે અને આ કામ મુશ્કેલ નથી. તમારી પુત્રી અને પરિવારના ભવિષ્ય માટે તમારી પાસે આ જ એક વિકલ્પ છે.
હું ૩૩ વરસની છું. મારા લગ્ન થયે પાંચ વર્ષ થયા છે. મારા પતિનો સ્વભાવ ઘણો શંકાશીલ છે. તેઓ મને કોઇ સાથે વાત કરવા દેતા નથી. તેમજ ઘરમાં પુરુષ કામવાળો પણ રાખતા નથી. નાની નાની શંકાને કારણે મારા પર હાથ ઉગામે છે. તેમના સિવાય કોઇ સાથે મારે સંબંધ નથી. હું તેમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. પરંતુ તેઓ સમજતા નથી. હવે હું કંટાળી ગઇ છું. શું કરવું એ મને સમજ પડતી નથી. પિયરમાં પણ મને સહારો નથી. યોગ્ય સલાહ આપશો. – એક મહિલા (નડિયાદ)
શક્ય હોય તો તમારા પતિના પરિવારને વિશ્વાસમાં લો. તમારે તમારી જિંદગીની તેમજ ભવિષ્યની ચિંતા કરવાની છે. તમારા પતિ માને નહીં તો તમારી પાસે બે વિકલ્પ છે. એક તેમને છોડી દેવાનો અને બીજો કાનુની મદદ લેવાનો. પતિને છોડીને એકલા રહેવું હોય તો સૌ પ્રથમ તમારે પગભર બનવું પડશે. શું તમે નોકરી કરી એકલા રહી શકો છો? આ માટે તમારામાં આત્મવિશ્વાસ છે? આ બધો વિચાર કરીને જ આગળ વધજો.
હું ૨૧ વરસની છું. મારી જ ઉંમરના એક છોકરા સાથે મને પ્રેમ છે. અમે એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ. પરંતુ હમણા તે મારી સાથે લગ્ન કરી શકે તેમ નથી. તેના પર તેના પરિવારની જવાબદારી છે. મારા મમ્મી-પપ્પાને આ વાતની ખબર નથી. તેઓ મારે માટે છોકરો શોધે છે. હું મારા પ્રેમીને છોડવા માગતી નથી. અમે લગ્ન કરીએ તો અમારે બંનેના પરિવાર સાથે સંબંધ તોડી નાખવો પડશે. શું કરવું તે જ સમજાતું નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી. – એક યુવતી (મુંબઇ)
માતા-પિતાની મરજી વિના લગ્ન કરવા એ યોગ્ય નથી. યુવા પરિણીત જોડીને ખાસ કરીને છોકરીને પરિવારના પીઢ સભ્યના ટેકાની જરૂર છે. નવું ઘર માંડવા માટે તેને સલાહની જરૂર પડે છે. આગળ જતા સંતાન થયા પૂર્વે અને પછી પણ કોઇ અનુભવીના માર્ગદર્શનની જરૂર પડે છે.
આમ તમે ભાગીને લગ્ન કરશો તો તમારે આ બધાનો ભોગ આપવો પડશે. આ ઉપરાંત તમારા લગ્નની અસર તમારા પ્રેમીના પરિવાર પર પડવાને કારણે તમારો પ્રેમી અપરાધ બોજથી પીડાશે. શક્ય છે આ બાબતે તે તમને દોષી માને અને આની અસર તમારા લગ્નજીવન પર પડે. તમે પણ તમારી જાતને દોષી માનો એ પણ સંભવ છે. આથી જે સંબંધને આગળ વધવા માટે કોઇ માર્ગ જ નથી. એ સંબંધ પર પૂર્ણ વિરામ મૂકી તમારા માતા-પિતાની મરજીને માન આપવામાં જ સૌની ભલાઇ છે.