સમાજવાદી પાર્ટી (SP)ના સ્થાપક અને પૂર્વ રક્ષા મંત્રી મુલાયમ સિંહ યાદવનું નિધન. તેમણે 82 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. સપા પ્રમુખ અને મુલાયમના પુત્ર અખિલેશ યાદવે ટ્વીટ કરીને આ જાણકારી આપી. ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. અખિલેશે ટ્વીટ કરીને કહ્યું, “મારા આદરણીય પિતા અને દરેકના નેતા નથી રહ્યા.” મુલાયમ સિંહ યાદવના અંતિમ સંસ્કાર 11 ઓક્ટોબરે સૈફઈમાં કરવામાં આવશે.
ત્રણ વખત સીએમ : મુલાયમ સિંહ યાદવને ગત 2 ઓક્ટોબરે મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીના નિધનથી સમાજવાદી પાર્ટીમાં શોકની લહેર છે. મુલાયમ સિંહ યાદવ ત્રણ વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. બીજી તરફ મુલાયમ સિંહ યાદવ પોતાની પાછળ એક વિશાળ રાજકીય વારસો તેમજ કરોડોની સંપત્તિ છોડી ગયા છે.
આટલી બધી મિલકત : વર્ષ 2019માં લોકસભા ચૂંટણી દરમિયાન મુલાયમ સિંહ યાદવે દાખલ કરેલા સોગંદનામામાં તેમની સંપત્તિની માહિતી આપવામાં આવી હતી. તેમની સંપત્તિ લગભગ 16.5 કરોડ રૂપિયા હતી. આ એફિડેવિટ અનુસાર મુલાયમ સિંહ યાદવની સંપત્તિ 16,52,44,300 રૂપિયા હતી. આ સ્થાવર મિલકતની સાથે તેણે જણાવ્યું હતું કે તેની પત્ની સાધના યાદવની વાર્ષિક આવક 32.02 લાખ રૂપિયા છે.
પુત્ર પાસેથી લોન લેવામાં આવી હતી : સાથે જ આ એફિડેવિટમાં મુલાયમ સિંહ યાદવ વતી કહેવામાં આવ્યું છે કે તેમની પાસે કોઈ કાર નથી, સાથે જ તેમણે તે સમયે તેમના પુત્ર અખિલેશ યાદવ પાસેથી 2,13,80,000 રૂપિયાની લોન પણ લીધી હતી. તમને જણાવી દઈએ કે મુલાયમ સિંહ યાદવનો જન્મ 22 નવેમ્બર 1939ના રોજ યુપીના ઈટાવા જિલ્લામાં આવેલા સૈફઈ ગામમાં એક સામાન્ય પરિવારમાં થયો હતો. મુલાયમ સિંહ યાદવ રાજકારણમાં આવતા પહેલા શિક્ષક હતા, પરંતુ ભણવાનું છોડીને તેઓ રાજકારણમાં આવ્યા અને બાદમાં સમાજવાદી પાર્ટીની રચના કરી.