દેહવ્યાપારમાં સમગ્ર દેશમાં બદનામ થયેલ બનાસકાંઠાના વાડિયા ગામમાં આઝાદીના આટલા વર્ષો બાદ પ્રથમ વાર ગામની દીકરી ધોરણ 12 પાસ કર્યું તો અન્ય પાંચ દીકરીઓએ ધોરણ 10 પાસ કરતા હવે દેહવ્યાપર તરફથી મોહ છોડીને શિક્ષણ તરફ જતા ગામમાં સોનાનો સૂરજ ઉગ્યાનો અહેસાસ થયો છે. જ્યારે પણ દેહવ્યાપારની વાત નીકળે ત્યારે બનાસકાંઠાના થરાદનું વાડિયા ગામ ચર્ચામાં આવે છે. આ ગામના 250 પરિવારમાં 700 જેટલા લોકો રહે છે. વર્ષોથી ગામ દેહવ્યાપાર સાથે સંકળાયેલ હતું. અહીંયા દીકરીઓ યુવાન થતાની સાથે જ દેહવ્યાપારમાં ધકેલી દેવામાં આવતી હતી. આ જ કારણે વાડિયા ગામ બદનામ થયેલ હતું. જો કે સમય જતાં સરકાર સંગઠન અને સમાજસેવી સંસ્થાઓના પ્રયત્ન થકી બદનામ ગામની દશા અને દિશા બદલાઈ ગઈ છે.
આઝાદીના આટલા વર્ષો બાદ વાડિયા ગામની દીકરી રવીના ધોરણ 12 પાસ કરીને 60 ટકા મેળવી ચુકી છે. જયારે ગામની પાંચ દીકરીઓ પણ ધોરણ 10 પાસ કરી ચુકી છે. બદનામ ગામની બહાર રહીને જયારે દીકરીઓ શિક્ષણ ક્ષેત્રે આગળ વધીને પરિણામ મેળવ્યા બાદ આજે ગામની અન્ય દીકરીઓને શિક્ષણ મેળવવાની અપીલ કરી રહી છે. સમાજ અને ગામને શિક્ષિત દીકરીઓ અપીલ કરતા જૂનો વ્યવસાય છોડીને દીકરીઓને શિક્ષણ આપવાની હિમાયત કરી રહી છે.
દેહવ્યાપારમાં બદનામ ગામમાં આજથી થોડાક વર્ષો પહેલા દીકરીઓનુ શોષણ થતું હતું. ગામના બેકાર યુવાનો લૂંટફાટ કરતા હતા આ ગામમાં બહારના ઘણા યુવાનો લૂંટાઈ ચુક્યા ના અનેક દાખલાઓ છે પણ સરકાર અને તંત્રએ કડક નજર કરતા અને સામાજિક સંગઠનો સ્થાનિકો લોકોમાં જાગૃતિ લાવતા આ ગામ હવે પરિવર્તન તરફ જઈ રહ્યું છે. ગામમાં શાળા બની છે. મકાનો પાકા બન્યા છે વર્ષો જુના કલંકને ભૂસવા ગામના જ આગેવાન હવે તૈયાર છે ત્યારે આવનાર વર્ષોમાં આ જ ગામની દશા અને દિશા બદલાયએ નક્કી જ છે.
વર્ષો પહેલા આ ગામમાં ફક્ત દેહ વ્યાપાર સિવાય કોઈ જ અન્ય ધંધો ન હતો પરંતુ આ બદનામ ગામમાં વીએસએમ સંસ્થાના મીતલબેન પટેલના અથાર્ગ પ્રયત્ન થકી આજે ગામની તાસીર બદલાઈ છે ગામના લોકોને વગર વ્યાજે લોન આપી વ્યવસાય કરતા કર્યા છે શિક્ષણસંસ્થામાં વાડિયા ગામની અનેક દીકરીઓ અને દીકરાઓને શિક્ષણ આપવાનું ભગીરથ કાર્ય કર્યું છે ત્યારે આજે વાડિયા ગામના બદલાવ માટે તેમનો સિંહફાળો હોવાનો લોકો કહી રહ્યા છે ગામ ધીરે ધીરે દેહવ્યાપાર માંથી બહાર આવે એ માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે વર્ષો પહેલા નાના ઝુંપડામાં વહેંચાયેલ ગામ આજે પાકા મકાન સાથે શોચાયલની સાથે અન્ય સુવિધા તરફ દોટ મૂકી રહ્યું છે દેહવ્યાપાર સાથે સંકળાયેલ લોકો શિક્ષણ તરફ જઈને ગામ પર લાગેલ દેહવ્યાપરની કાળી ટીલી ભૂસવા તૈયાર છે, આજે વાડિયા ગામ ના અનેક બાળકો અમદાવાદ પાટણ ડીસા પાલનપુર અને થરાદ માં શિક્ષણ લઈ રહ્યા છે જે આવનાર વર્ષોમાં આ જ ગામને નવી દિશા આપશે.